ઊંઝાના ઉનાવામાં ખાતરની કાળાબજારીનો પર્દાફાશ, ગણેશ એગ્રોના ગોડાઉનમાંથી 2,500 યુરિયાની થેલીઓ ઝડપાઈ

Maru Mehsana 5 days ago Mehsana

Updated:

મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઉનાવા નજીક સરકારી સબસિડીવાળા યુરિયા ખાતરના શંકાસ્પદ સંગ્રહનો પર્દાફાશ થયો છે. તંત્રની સંયુક્ત ટીમે ગણેશ એગ્રોના ગોડાઉન પર દરોડો પાડીને અંદાજે 2,500 યુરિયાની થેલીઓ ઝડપી પાડી છે. ગોડાઉનમાંથી ખાનગી કંપનીઓની ખાલી બોરીઓ અને પેકિંગનાં સાધનો પણ મળી આવતાં કાળાબજારીની આશંકા સાથે તપાસ શરૂ કરવામાં આવી છે.

મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઉનાવા વિસ્તારમાં ખેડૂતોને સબસિડીના દરે મળતું સરકારી યુરિયા ખાતર અન્યત્ર સગેવગે કરવાની આશંકા સાથે મોટો પર્દાફાશ થયો છે. ઉનાવા નજીક આવેલા રિયા એસ્ટેટ પાછળના ગણેશ એગ્રોના ગોડાઉનમાં તંત્ર દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, જિલ્લા વહીવટી તંત્રને મળેલી બાતમીના આધારે મામલતદાર, ખેતીવાડી વિભાગ, મહેસાણા LCB અને સ્થાનિક પોલીસની ટીમે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. ગોડાઉનની તપાસ દરમિયાન અંદાજે 2,500 જેટલી સરકારી સબસિડીવાળી નીમ કોટેડ યુરિયાની થેલીઓ મળી આવી હતી.

તપાસ દરમિયાન સ્થળ પરથી વિવિધ ખાનગી ખાતર કંપનીઓની ખાલી બોરીઓ, પેકિંગ માટેનાં સાધનો અને અન્ય સામગ્રી પણ મળી આવી હતી. આ સામગ્રીને પગલે સરકારી સબસિડીવાળા ખાતરને ખાનગી કંપનીઓની બોરીમાં ભરીને ઊંચા ભાવે વેચવાનું અથવા ઔદ્યોગિક ઉપયોગ માટે વાળવાનું કથિત નેટવર્ક ચાલતું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

તંત્ર દ્વારા મળી આવેલા ખાતરના નમૂનાઓ તપાસ માટે મોકલવાની કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ ખાતરના જથ્થાને કબજે લઈ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

ખેડૂતોને રાહતદરે મળતું ખાતર જો ગેરકાયદે રીતે અન્યત્ર પહોંચતું હોય તો તેની સીધી અસર ખેડૂતો પર પડી શકે છે. હવે તપાસમાં આ જથ્થો ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોણ જવાબદાર છે તે બહાર આવે તે મહત્વનું રહેશે.

Share this news

More news